મુખ્ય હાઇલાઇટ્સ:
- શિક્ષણ જગતમાં ગરમાવો: ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરતી બદીઓ સામે કડક પગલાં લેવા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ધગધગતું આવેદનપત્ર.
- ગંભીર આક્ષેપો: સરકારી પગાર મેળવતા શિક્ષકો જ ચલાવે છે ખાનગી ટ્યુશન; ડમી શાળાઓના નામે વિદ્યાર્થીઓની માત્ર કાગળ પર હાજરી.
- મુખ્ય માંગણીઓ: ખાનગી કોચિંગના નિયમન માટે કાયદો લાવવા, વિશેષ તપાસ સમિતિની રચના કરવા અને હેલ્પલાઇન શરૂ કરવા રજૂઆત.
- આંદોલનની ચીમકી: જો સમયમર્યાદામાં નક્કર અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની અપાઈ ચેતવણી.
ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે આક્રોશ
ગુજરાતમાં શિક્ષણના પવિત્ર ધામને કમાણીનું સાધન બનાવી દેનારા અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને અંદરથી ખોખલી કરનારા તત્વો સામે હવે બહુ મોટો ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ડમી શાળાઓ, ગેરકાયદેસર ડે-સ્કૂલ (દિવસીય શાળાઓ) અને સરકારી તિજોરીમાંથી તગડો પગાર મેળવીને ખાનગી ટયુશનો ચલાવતા ભ્રષ્ટ શિક્ષકો સામે ‘ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાત’ (ગુજરાત શૈક્ષણિક મહામંડળ) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ સંગઠન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને સજ્જડ પુરાવા સાથે એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.
સરકારી શિક્ષકો દ્વારા નિયમોના લીરેલીરા ઉડાડાયા
પાટનગર ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચેલા મહામંડળ, અમદાવાદ શિક્ષણ જૂથ અને વિવિધ જિલ્લાના શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ કડવી વાસ્તવિકતા રજૂ કરી હતી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો સરકારનો મોટો પગાર લેવા છતાં, નિયમોને ઘોળીને પી ગયા છે અને બેફામપણે ખાનગી ટયુશન વર્ગો ચલાવી રહ્યા છે. આટલું જ નહીં, શાળાના સરકારી વર્ગખંડો અને કેમ્પસ (પ્રાંગણ) નો ઉપયોગ પણ ગેરકાયદેસર ટ્યુશન માટે થતો હોવાના સજ્જડ દસ્તાવેજી પુરાવા, ફોટોગ્રાફસ અને સંડોવાયેલા શિક્ષકોની આખી યાદી સરકારને સોંપી દેવામાં આવી છે.
ડમી શાળાઓના કૌભાંડથી શિક્ષણ નીતિનો ભંગ
આવેદનપત્રમાં સૌથી મોટો ધડાકો ડમી શાળાઓ અંગે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ કોન્સેપ્ટ સ્કૂલ અને ડે-સ્કૂલના નામે મસમોટું આર્થિક કૌભાંડ ચાલી રહ્યું છે. આ પ્રથામાં વિદ્યાર્થીઓની શાળામાં માત્ર કાગળ પર જ હાજરી બોલે છે, જ્યારે વાસ્તવમાં વિદ્યાર્થીઓ શાળાએ જવાને બદલે આખો દિવસ ખાનગી કોચિંગ સેન્ટરોમાં જ બેસી રહે છે. આ ખોટી પ્રથાના કારણે નિયમિત અને ઈમાનદારીથી ચાલતી ગરિમાપૂર્ણ શાળાઓ મરણપથારીએ પડી છે અને વિદ્યાર્થીઓમાં માત્ર ‘પરીક્ષા કેન્દ્રીત’ ગોખણપટ્ટીવાળું માનસ વિકસી રહ્યું છે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળ હેતુનો જ ખુલ્લેઆમ ભંગ છે.
શૈક્ષણિક સંગઠનો દ્વારા કરાઈ આકરી માંગણીઓ
મહામંડળ દ્વારા સરકાર સમક્ષ કેટલીક આકરી માંગણીઓ મૂકવામાં આવી છે, જેમાં: ૧. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શિક્ષકો અને શાળાઓ સામે તાત્કાલિક દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ૨. કેન્દ્ર સરકાર અને અદાલતોની ટિપ્પણી મુજબ પ્રાઇવેટ કોચિંગ સેન્ટરોના નિયમન માટેનો કાયદો તાત્કાલિક પસાર કરી તેનો કડક અમલ કરાવો. ૩. ડમી શાળાઓ અને શાળાકીય માળખાના દુરુપયોગની તપાસ માટે રાજ્યકક્ષાની વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવે. ૪. વાલીઓ અને જાગૃત નાગરિકો સીધી ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સ્તરની હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ (વેબસાઇટ) શરૂ કરવામાં આવે.
નક્કર પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન
ગાંધીનગર ખાતે મીડિયા સમક્ષ અસંતોષ વ્યક્ત કરતા શૈક્ષણિક અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, તેઓની લડત કોઈ વ્યક્તિ વિશેષ સામે નહીં, પરંતુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બચાવવા માટે છે. જો સરકાર દ્વારા આ સોંપવામાં આવેલા પુરાવાઓ પર સમયબદ્ધ અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ‘શિક્ષણ બચાવો અભિયાન’ હેઠળ તમામ જિલ્લા મથકોએ જનજાગૃતિ ફેલાવીને લોકશાહી ઢબે અત્યંત ઉગ્ર આંદોલનો છેડવામાં આવશે.
આ મહત્વપૂર્ણ અને આક્રમક રજૂઆતમાં મંડળના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, વિજય મારુ, હેમાંગ રાવલ, ઝંકૃત આચાર્ય, રાકેશ પરમાર, રઉફ અલી, સમીર ગજ્જર, સંદીપ ત્રિવેદી, અનિલ ડાંગી, મનીષ વ્યાસ, દીપક પરમાર, સરજુ ચૌહાણ, મંગળ પટેલ અને ડૉ. કેવલ ત્રિવેદી સહિતના રાજ્યભરના દિગ્ગજ શિક્ષણવિદો જોડાયા હતા. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ કૌભાંડીઓ સામે લાલ આંખ કરે છે કે પછી તેમને છાવરવાનું ચાલુ રાખે છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
