મુખ્ય હાઇલાઇટ્સ:
- પુસ્તકોની અછત: શાળાઓ શરૂ થયા છતાં પુસ્તકો ન મળતાં ‘પીડીએફ’ થી ભણવા મજબૂર વિદ્યાર્થીઓ, મંત્રીએ કહ્યું- વિતરણ ચાલુ છે.
- શિક્ષકોની ભરતી: રાજ્યમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા ૧૧ હજાર નિયમિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ, ત્યાં સુધી જ્ઞાન સહાયક ચાલુ રહેશે.
- જૂની પેન્શન યોજના: શિક્ષકો સરકારના પરિવારનો હિસ્સો છે, તેમની સમસ્યાઓ ઉકેલવા સરકાર સંવેદનશીલ હોવાનો મંત્રીનો દાવો.
- વિવાદ પર તપાસ: ગાંધીનગરના સેક્ટર પચીસના શરમજનક વીડિયો મામલે અહેવાલ મંગાવી કડક કાર્યવાહીની ખાતરી આપી.
હિંમતનગર:
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, શિક્ષકોની ભરતી, પાઠ્યપુસ્તકોની અછત અને જૂની પેન્શન યોજના જેવા રાજ્યના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ મુદ્દાઓ અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા તેમણે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
પેપર ફૂટી જાય છે પણ પુસ્તકો મળતા નથી: વાલીઓનો આક્રોશ અને મંત્રીનો બચાવ
હાલની સ્થિતિએ રાજ્યની મોટાભાગની શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ભારે બુમરાણ મચી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પાસે હજુ સુધી પુસ્તકો પહોંચ્યા નથી. સ્થિતિ એવી સર્જાઈ છે કે બાળકોને ડિજિટલ પુસ્તકો એટલે કે ‘પીડીએફ’ ફાઇલ દ્વારા ભણાવવાની ફરજ પડી રહી છે. વાલીઓમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે પરીક્ષા પહેલાં પેપર ફૂટીને તુરંત મળી જાય છે, પરંતુ ભણવા માટેના પાઠ્યપુસ્તકો સમયસર મળતા નથી. આ મુદ્દે વળતો જવાબ આપતા શિક્ષણમંત્રીએ દાવો કર્યો હતો કે મોટાભાગની શાળાઓમાં પુસ્તકોનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને જ્યાં બાકી છે ત્યાં પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાનગી સ્ટોલ પર પણ પુસ્તકો ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર: રાજેશ પરીખ
